તું જ મળજે! (અશાંત પુત્રીને)

`વડીલોના વાંકે’ અધવિકસિતા કોમળ કળી :

ફળી ના સમૃદ્ધિ જીવનની, ભલે ઉમ્મર મળી;

વહી જૈ લૈ આવ્યું બચપણ તને યૌવન ભણી,

સરી રે ચાલ્યું યૌવન, અવ દીસે પ્રૌઢવરણી.

વડીલોના વાંકે દિવસભર તું સ્વપ્ન નીરખે,

પછી મોડી રાત્રે શયન કરવા શ્રાંત નીસરે;

રુવે છે કે સૂવે – સુખ અસુખ, આનંદિત રહે :

અશાંતિ લાધી એ હૃદય ધરબી હૂંફ અરપે!

વડીલોના વાંકે વહન કરતી બોજ મનનો

અને એકાકી ર્ હૈ સહન કરવાના વ્યસનનો;

પ્રયત્નો કૈં કીધા, પણ વસવસો એક જ સદા :

અમારા વાંકે તું દયનીય, અમે નિર્દય રહ્યા!

ચહે જે કૈં મારો પ્રભુ, સરવથા યોગ્ય જ હશે;

દીધું જે કૈં એણે સહસ્ર કરથી, ભોગ્ય જ હશે!

અમારાં કર્મોનું સુફળ યદિ આ જન્મ જ હશે,

કરું એ સત્કર્મો પુનરપિ પુનઃ તું જ મળજે!

2 thoughts on “તું જ મળજે! (અશાંત પુત્રીને)”

Leave a Comment