ડૉ. અરુણ ર. વામદત્ત (1940-2018)

Dr Arun Vamdatt
Dr. Arun Vamdatt

અત્યંત પ્રતિભાવંત, વિદ્યાવ્યાસંગી, બહુશ્રુત વ્યક્તિત્વ ધરાવનાર ડૉ. અરુણ વામદત્તનો જન્મ દક્ષિણ ગુજરાતના ઓલપાડ ગામે સન 1940માં થયેલો. નાનપણથી જ  પિતાજીએ ઘણા સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરાવી દરરોજની પ્રાર્થનામાં સામેલ કરાવેલા. આમ સંસ્કૃત પ્રત્યેથી લગની બાળપણથી હતી. વખત વીતતો ગયો તેમ સંસ્કૃત સાહિત્યના અમૂલ્ય ગ્રંથો જેવા કે મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલ, ઉત્તરરામચરિત વગેરે અનુવાદ સ્વરૂપે આસ્વાદેલા. તદુપરાંત, પિતાજી સાહિત્યરસિક વ્યક્તિ હતા અને ગુજરાતી સાહિત્યના અમૂલ્ય રત્નો જેવી ક.મા. મુન્શી, ર.વ. દેસાઈ વગેરેની નવલકથાઓ તથા નર્મદ, કાંત, સુંદરમ્, ઉમાશંકર જોષી તથા કલાપી જેવા કવિઓના કાવ્યસંગ્રહો એમણે વસાવેલા. મારા પતિને તો જાણે ઘર બેઠા ગંગા આવી મળી. એમની કવિ તરીકેની પ્રતિભા આ સર્વ વાંચનથી ખૂબ ખીલી. કલાપી તો એમના લોહીમાં વણાઈ ગયેલા.

બાળપણ મુંબઈમાં વીતેલુ, ત્યાંજ 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ મા-બાપ બન્નેની ઓથ ગુમાવતા બે વર્ષ વ્યારામાં મામાને ત્યાં રહી અને પછી સુરતની ટી. એન્ડ ટી.વી. હાઈસ્કૂલ તથા એમ.ટી.બી. આર્ટ્સ અને સાન્યસ કૉલેજમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કર્યો. સર્જક શક્તિ આ અરસામાં જ ખીલી. એટલે કિશોરવયથી એ છંદોમય કાવ્યો લખતા થયા અને કાવ્યરચના કે વક્તૃત્વ સ્પર્ધાઓમાં પારિતોષિક મેળવતા. ઈન્ટરમીડીયેટ સાયન્સ પરીક્ષા પછી એમણે, અમદાવાદની ગુજરાત કૉલેજમાં ભૌતિકશાસ્ત્ર મુખ્ય વિષય સાથે બી.એસસી.નો અભ્યાસ કરવાનું નક્કી કર્યું ને પ્રથમ વર્ગમાં ડીગ્રી મેળવી. ગુજરાત કૉલેજમાંથી દક્ષિણા ફેલોશીપ પણ હાંસલ કરી જેથી કરીને અનુસ્નાતક અભ્યાસ માટે એમને કોઈની આર્થિક સહાયની જરૂર ન પડી. એમ.એસસી.ની ડીગ્રી પ્રથમ વર્ગ સાથે પ્રાપ્ત કરી અને પીએચ.ડી.ના અભ્યાસ માટે સરકાર તરફથી એમને યુજીસી ફેલોશીપ પ્રાપ્ત થઈ. ડૉ. વાય.જી. નાયકના માર્ગદર્શન હેઠળ એમણે સુપેરે સંશોધન પૂર્ણ કર્યું અને 1968માં પીએચ.ડી.ની પદવી હાંસલ કરી.

આ પહેલાં 1967માં જ એમની બિલિમોરાની આર્ટ્સ અને સાયન્સ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર અને વડા તરીકે નિમણૂક થઈ ચૂકી હતી. સરળ, સૌમ્ય વ્યક્તિત્વ અને માત્ર શૈક્ષણિક રસ હોવાથી બેજ વર્ષમાં એમણે કૉલેજમાંથી રાજીનામું આપ્યું અને મુંબઈની ટાટા ઈન્સ્ટીટયુટ ઑફ ફન્ડામેટલ રીસર્ચમાં સંશોધનનો વધુ અનુભવ લીધો. જૂન 1970થી જૂન 2002માં એ નિવૃત્ત થયા ત્યાં સુધી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ભૌતિકશાસ્ત્ર વિભાગ સાથે એ સંકળાયેલા રહ્યા. ક્રમશઃ લેકચરર, રીડર અને પ્રોફેસરની હેસીયતમાં. આ સમય દરમ્યાન એમણે ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની પરિષદો અને સેમીનારમાં ભાગ લઈ શોધપત્રો રજૂ કર્યા અને ડઝનથી પણ વધુ એમ.ફીલ. રીસર્ચ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી એમ.ફીલ.ની ડીગ્રી અપાવી.

ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ તરફથી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે પ્રગટ થતા ભૌતિકશાસ્ત્રના પાઠયપુસ્તકોના લેખક અને પરામર્શક તરીકે સેવા આપી. પ્રો. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ પ્રગટ થયેલ ગુજરાતી વિશ્વકોશમાં પણ ભૌતિકશાસ્ત્ર અંગેના ઘણા લેખો લખીને મોકલ્યા. આ સર્વ પ્રવૃત્તિઓમાં એમનું વલણ એ જે કામ હાથમાં લે તેમાં સો ટકા ખૂંપીને સારામાં સારું પરિણામ આપવાનું રહ્યું. આ કારણથી એ વિદ્યાર્થીઓમાં અને સહાધ્યાયી પ્રોફેસરોમાં ખૂબ જ લોકપ્રિય રહ્યા. એમણે કોઈ માનચાંદની ખેવના કર્યા વિના માત્ર એક સાચા શિક્ષકની અદાથી શૈક્ષણિક અને સંશોધનાત્મક દૃષ્ટિજ હંમેશા રાખી.

2002માં નિવૃત્ત થયા પછી એમની અંદરનો સર્જક ફરીથી સળવળ્યો અને વધુ પ્રૌઢ કવિતાઓ રચાતી ગઈ અને `નવનીત સમર્પણ’, `અખંડ આનંદ’ વગેરે સામયિકોમાં પ્રકટ થતી રહી. એમની સંસ્કૃત પ્રત્યેની પ્રીતિ હવે વધારે સક્રિય થઈ અને એમણે નવેસરથી કોઈની સહાય વગર સંસ્કૃત ભાષા વધારે પદ્ધતિસર શીખી. જેના પરિપાક રૂપે બાળપણમાં કંઠસ્થ કરેલા સંસ્કૃત શ્લોકોને બરાબર સમજીને એનો અનુવાદ અને વિવેચન એક ગ્રંથ રૂપે પ્રગટ કર્યો (તસ્મૈ, તાભ્યામ્, તેભ્યઃ ભાગ-1, 2007).

ત્યાર પછી વિશિષ્ટ સંજોગોમાં એમણે શ્રીવિષ્ણુસહસ્રનામસ્તોત્રનું નિયમિત પઠન શરૂ કર્યું જે મૃત્યુના દિવસ સુધી ચાલુ રહ્યું. પણ સ્તોત્રપાઠ ચીલાચાલુ યાંત્રિક ઢબનો ન રહેતા એમના માટે જાતે સંશોધનનો વિષય બની રહ્યો અને એમનો તલસ્પર્શી અભ્યાસ ગ્રંથ સ્વરૂપે 2018માં પ્રગટ થયો.

કૉલેજકાળ દરમ્યાન એમણે બસો જેટલા કાવ્યો લખેલા જેનાં પ્રકાશનનું શ્રેય ગુજરાત સરકારને જાય છે. સરકારની આર્થિક સહાયની યોજના હેઠળ અરુણ વામદત્તની કવિતાઓ પસંદ થઈ હતી. પરિણામ સ્વરૂપ `સૌંદર્યવંતી’ કાવ્યસંગ્રહ ગુજરાત સરકાર તરફથી 1991માં પ્રકટ થયો. કવિ શ્રી જયંત પાઠકે સંગ્રહ માટે ઉમળકાથી આવકાર લખી આપ્યો. વાચકો તરફથી પણ ઉત્સાહપ્રેરક પ્રોત્સાહન મળ્યું.

આજે ઈન્ટરનેટના માધ્યમથી નિવૃત્તિ પછી લખાયેલી એમની વૈવિધ્યસભર કવિતાઓ પ્રકટ કરવાનો મોકો મળ્યો છે એ મારા તરફથી મારા પતિને અપાયેલ શ્રધ્ધાંજલિ છે. `સૌંદર્યવંતી’ જેવો જ પ્રતિસાદ `કાવ્યમંજૂષા’ને પણ મળશે એવી આશા રાખું છું. આપના પ્રતિભાવ વ્યકત કરવા આગ્રહભરી વિનંતી.

30 વર્ષની ઉંમરે એમને ડાયાબીટીસનું નિદાન થયા પછી એક યોગીની જેમ નિયમિત વહેલા ઉઠી 6 કીલોમીટર ચાલવાનું અને મીતાહારી રહેવાનું શરૂ કરેલું જે જીવનના અંત સુધી ચાલુ રહ્યું. તે પછી 42 વર્ષ સુધી એમણે કોઈપણ દવા વિના માત્ર આહાર નિયમન અને નિયમિત ચાલવાની ટેવથી ડાયાબિટીસને નોર્મલ રાખ્યો હતો એ સિદ્ધિ અજોડ છે.

વિધિની વક્રતા જુવો કે જીવન જીવવાની કલામાં જેને આદર્શ રૂપે સ્થાપિત કરી શકાય એ વ્યક્તિને માર્ચ 2017માં જડબાના કેન્સરનું નિદાન થયું. બ્રીચકેન્ડી હૉસ્પિટલ, મુંબઈમાં કુશળ સર્જને તાત્કાલિક ઓપરેશન સફળ રીતે કર્યું. રેડીએશનનો કોર્સ પણ ખૂબ ધીરજથી એમણે પૂરો કર્યો. છતાં બીજી તરફના જડબામાં તરત જ નવું કેન્સર થયું જે પ્રાણઘાતક નીવડયું અને 4 જાન્યુઆરી 2018માં એમણે દેહત્યાગ કર્યો. છેક સુધી ઘરમાં તો હરતા ફરતા જ રહ્યા. અક્ષરદેહે ડૉ. અરુણ વામદત્ત આપણી વચ્ચે હંમેશા હાજર રહેશે.

એમણે પ્રકાશિત કરેલ પુસ્તકોઃ

  1. `સૌંદર્યવંતી’ સ્વરચિત કાવ્યો – ગુજરાત સરકારની આર્થિક સહાયથી ગ્રંથરૂપે પકટ કર્યો, 1991.
  2. `તસ્મૈ તાભ્યામ્ તેભ્યઃ ભાગ-1′ (મુખ્યત્વે સંસ્કૃત શ્લોકો અર્થ સાથે) 2007.
  3. `તસ્મૈ તાભ્યામ્ તેભ્યઃ ભાગ-2 સર્વવાગીશ્વરેશ્વર – શ્રી વિષ્ણુસહસ્રનામસ્તોત્ર’ (અર્થ સાથે) 2018.
  4. `કાવ્યમંજૂષા’: ઈન્ટરનેટ પર.

દક્ષા અરુણ વામદત્ત

603, સુરભિ એપાર્ટમેન્ટ,

ચાંદની ચોક, પીપલોદ,

સુરત – 395 007