સંસ્કૃત શ્લોકો

મૂકં કરોતિ વાચાલં વાચાલં કુરુતે મૂકમ્ ।

યત્કૃપાવકૃપા તસ્મૈ સર્વજ્ઞાય નમો નમઃ ।।

જેની કૃપા મૂંગાને બોલતો કરે છે અને જેની અવકૃપા બોલતાને મૂંગો કરે છે તે સર્વજ્ઞને ફરી ફરી નમસ્કાર.


શ્યામાદવકૃપામેઘાત્કૃપાવર્ષેણ સ્નિહ્યતિ ।

મય્યેવં સત્યજ્ઞાનાર્થં પ્રજ્ઞાં પ્રદેહિ પ્રાર્થને ।।

હે પ્રાર્થના! અવકૃપા રૂપી કાળા વાદળમાંથી પણ કૃપાનીજ વૃષ્ટિ કરીને સર્વજ્ઞ મને સ્નેહ કરે છે, એ સત્ય સમજવા માટે તું મને સદ્બુધ્ધિ આપ.


શૂન્યં નિજં પરિત આશુપ્રદક્ષિણા મા –

માજન્મનઃ પરિકરોમિ કરોમિ નિત્યમ્ ।

પૂર્ણાન્ત મા ગમય – પૂર્ણમદોડત્યપૂર્ણા –

ચ્છ્ન્યાન્નિજાદ્ વરમનન્ત મનન્તરસ્થમ્ ।।

મારા પોતાના શૂન્યની આસપાસ – મારા અત્યંત નાના વિશ્વમાં – હું આજન્મ ઝડપભેર પ્રદક્ષિણાઓ કરું છું, અવિરામ ફર્યા કરું છું. હે પૂર્ણાંત! મને અત્યંત અપૂર્ણથી `એ પૂર્ણ (તત્વ)’ તરફ, મારા પોતાના શૂન્યથી, મારી અતિ સમીપ (મારામાં જ!) વસનાર `એ સર્વશ્રેષ્ઠ અનંત (તત્વ)’ તરફ લઈ જા!


…કરારવિન્દે ચરણારવિન્દે

વિકાસિસ્વર્ગે હૃદયારવિન્દે ।

મનસ્તશ્શશ્વવચ્છરણારવિન્દે

સ્વાપ્યાયનાય મનસાર્ઘ્યમહં દદામિ ।।

…કરકમળમાં, ચરણકમળમાં, સ્વર્ગમાં વિકસતા હૃદય-કમળમાં, સાચા મનથી સદાય મને આપેલા આધારરૂપી કમળમાં, મારા પોતાના સંતોષ માટે સાચા મનથી હું અર્ઘ્ય આપું છું!


શરચ્છતં સંસ્મરણારવિન્દે

સ્મરન્ સ્મરન્

શનૈશ્શનૈર્વિસ્મરણારવિન્દે ।

બાલ્યાત્પ્રભુત્યમમપલ્લવિતારવિન્દે

સ્વાનન્દનાય મૃદુપુષ્પદલં દધામિ ।।

શરદ ઋતુ જેવા શત શત સંસ્મરણોરૂપી કમળમાં, સ્મરતાં સ્મરતાં ધીમે ધીમે થતા વિસ્મરણરૂપી કમળમાં, મારા બાળપણથી નિઃસ્વાર્થ ભાવે રહેલા, સદૈવ પલ્લવિત એવા કમળમાં, મારા પોતાના આનંદ માટે આ કોમળ પુષ્પ-પાંદડી હું મૂકું છું!


સ્નેહાનુબંધ પ્રતિબધ્ધ ઋણારવિન્દે ।

શાન્ત્યાત્મને પ્રભુપ્રણમ્ય તુ સંદધામિ ।।

સ્નેહ-સંબંધ સાથે સંકળાયેલા ઋણરૂપી કમળમાં, મારી પોતાની શાંતિ માટે, પ્રભુને પ્રણામ કરીને, હું આ મૂકું છું!


અલં વિલમ્બાય તવાતિસ્નેહઃ

સર્વં ક્ષમસ્વ કુરુ માં કૃપયા કૃતાર્થમ્ ।।

(આ અર્પણમાં વિલંબ થયો છે, પરંતુ…)

વિલંબને પહોંચી વળવા માટે તમારો અતિસ્નેહ પૂરતો છે; બધું માફ કરો અને કૃપા કરીને મને કૃતકૃત્ય કરો!


બ્રહ્માદિ વિષ્ણુમધ્યસ્થશિવાન્તરસ્થત્રિદેહિને ।

તસ્મૈ દિવ્યાવતારાય દત્તાત્રેયાય તે નમઃ ।।

જેમના આરંભમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અંતમાં શિવ છે તેવા તમને – દિવ્ય અવતારી, ત્રિવિધ દેહધારી દત્તાત્રેયને મારા નમસ્કાર હો!


દિવ્યૌ તૌ પિતરૌ પુત્રઃ પરં પુત્રત્રયો યયોઃ ।

તાભ્યામત્ર્યનસૂયાભ્યાં મનોહૃદ્ભ્યાં નમો નમઃ ।।

જેમનો પુત્ર પરમ પુત્ર-ત્રય (ત્રણ પુત્રોઃ બ્રહ્મા–વિષ્ણુ–મહેશ) છે તે માતા-પિતા, દિવ્ય એવા અત્રિ અને અનસૂયાને મનથી અને હૃદયથી મારા નમસ્કાર હો, નમસ્કાર હો!


હૃદ્પદ્મં પદ્મનાભં ચ વન્દેડહં પદ્મસમ્ભવમ્ ।

તેભ્યોઙકાર મકારોકારૌમ્ કારેભ્યો નમો નમઃ ।।

જેમની નાભિમાંથી કમળ પ્રગટે છે તેવા વિષ્ણુને, કમળ જેવા હૃદયવાળા શિવને અને કમળમાંથી ઉદ્ભવેલા બ્રહ્માને હું વંદન કરું છું.  ઓમ્કાર  (અ-ઉ-મ-કાર)  સ્વરૂપ એવા અ-કારઃ વિષ્ણુ, ઉ-કારઃ શિવ અને મ-કારઃ બ્રહ્માને મારા નમસ્કાર હો, નમસ્કાર હો!


આયુર્નશ્યતિ પશ્યતાં પ્રતિપલં વૃધ્ધત્વમાપ્તક્ષયં

પ્રત્યાયાતિ ન બાલ્યયૌવનબલં કાલો જરાવર્ધનઃ ।

શાન્તિસ્તોયતરઙ્ગભઙ્ગચપલા વિદ્યુચ્ચલં સુસ્મિતં

તસ્માન્મામભયંકુરુષ્વ કરુણાબ્ધે રક્ષ રક્ષાધુના ।।

જોતજોતામાં આયુષ્ય ઘટતું જાય છે, પળે પળે વૃધ્ધત્વ વિલાતું જાય છે, બાળપણ તથા યૌવનનું બળ (સ્ફૂર્તિ) પાછું આવતું નથી. કાળ વૃધ્ધત્વને વધારતો જાય છે, શાંતિ પાણીના તરંગ-ભંગ જેવી ચપળ છે, સુંદર સ્મિત વીજળી જેવું ચંચળ થઈ ગયું છે; તેથી હે કરુણા-સાગર! મને અભય કરો (અભયતા આપો), મારું રક્ષણ કરો – હવે રક્ષણ કરો.


પાપાદુધ્ધરતે વસન્નિ વહતે મેડસ્તિત્વમૃદ્ બિભ્રતે

ગર્વં દારયતે યમં છલયતે શત્રુક્ષયં કુર્વતે ।

મત્સર્વં જયતેડકલં કલયતે સૌંદર્યમાતન્વતે

મ્લેચ્છત્વં હરતે નિરાકૃતિકૃતે દેવાય તુભ્યં નમઃ ।।

પાપમાંથી મારો ઉધ્ધાર કરે છે, મારા જીવનનું વહન કરે છે, મારા સમગ્ર અસ્તિત્વનો ભાર ઊંચકે છે, મારા ગર્વને ચીરી નાંખે છે, યમરાજા સાથે વારંવાર છળકપટ કરે છે (મને મૃત્યુથી બચાવી લે છે). શત્રુઓનો નાશ કરે છે. મારા સર્વસ્વ પર પ્રભાવ રેલાવે છે, પરમ તત્વ ધારણ કરે છે, સર્વત્ર સુંદરતા રેલાવે છે, મારા દુષ્ટપણાને હરી લે છે – એવા નિરાકાર દેવને, તમને મારા નમસ્કાર હો!


પર્ણાચ્છાખાં પ્રશાખાયાશ્છન્દિતોડદ્યાપ્યવેદવિત્।

અધઃ શાખાપશાખાયા ઉર્ધ્વમૂલમ્ શનૈશ્ચરમ્ ।।

(સંસાર-વૃક્ષના) પર્ણમાંથી (પ્રશાખામાં અને) પ્રશાખામાંથી શાખામાં – `અધઃ શાખા’માં; શાખામાંથી (-એ `અધઃ શાખા’માંથી) `ઊર્ધ્વ મૂળ’ તરફ ધીમી ધીમી ગતિ કરું. પ્રફુલ્લિત છું, (જો કે) હજુ સુધી અવેદવિદ છું!