કદી ચંદ્રીને રૂપરાણી કહી મેં

કદી ચંદ્રીને રૂપરાણી કહી મેં,

હૃદય પર કદી ડાઘ જોતાય શીખ્યો –

ન હસતાય શીખ્યો ન રોતાય શીખ્યો!

કદી સૂર્ય પદ્મપાણિ દીઠા મેં,

નયન-પદ્મમાં આગ જોતાય શીખ્યો –

દુઃખીદીનનાં અશ્રુ લ્હોતા ન શીખ્યો!

તરલ તારલી ટમટમે બિંદુરૂપે,

મહીં દીપ્ત સપ્તર્ષિ ખોતા જ શીખ્યો –

સરલ બિંદુમાં સિંધુ જોતા ન શીખ્યો!

દુઃખાપત્તિમાં દર્દના દંશ પીડે,

સુખાનંદમાં દંશ ધોતા ન શીખ્યો –

બધે ઈશનો અંશ જોતા ન શીખ્યો!

સુણું જે સતત દિવ્ય આલાપ કોના –

પૂરે પ્રાણ જે પાર્થમાં પથ્થરોમાં!

જગાડે સુવાડે કહો યા કહો ના!

Leave a Comment