પડછાયાની પોળમાં

સ્વાદસિંધુમંથનમાં  મનડું  જીવનની  ભાગોળે

ઘડપણના ઘટમાં બચપણના ગળપણને વાગોળે!

            નાના કરતાં નાની મોટાં, નાની કરતાં નાના :

            બે મનનું એ મધુર સંમિલન મા વત્તા મા – મામા!

માતા આઠે પિતા ‘ગિયારે મને અલવિદા કહી દેઃ

મામામાં મા મળે – મ્હાલતું  મન  મારું  મોસાળે!

            નિજ છૈયાના ભાણામાંથી પ્રથમ મને જમવા દે,

            નિજ હૈયામાં ભાણાના સંતાપ બધા શમવા દે!

`માસ્તર મારે નહીં, ભણાવે નહીં’ વાત એ ખોટી :

વણઅક્ષરના શબ્દ, શબ્દ-વિણ-વાણી ચમચમ સોટી!

            કાકાને ત્યાં નિત્યકર્મમાં વ્યસ્ત અલ્પ સહુ બોલેઃ

            બે જ શબ્દ, પણ પિતાય ના’વે  મુજ કાકાની  તોલે!

શ્વેત વસ્ત્રમાં અતીવ ઓપતાં વત્સલવર સન્નારી :

સગપણના તાણામાં મનના વાણા સ્વૈરવિહારી!

            મળે પરમપ્રિય સખા, પધારે ગુરુજન – દેવ સદેહે!

            અનહદની સરહદ ઓળંગી આપ્તજનોના સ્નેહે!

બિલ્વપત્રની ત્રણ પાંદડિયું,  ચાર પંખીનો માળો :

અમૂલખ લેખ લખાયા બ્હેની, ઘર ઘર રમવા ચાલો!

            પીરસનારાં માસી-મા ને મોસાળે જમવાનું :

            ઉદય થાય થનગનતું  યૌવન,  બચપણ  આથમવાનું!

લખે પિતાજી અમે પાંચ જવ જઈએ ગામ ઉનાળે.

`ગાય વિનાના ગોકુળિયામાં કરવું શું ગોવાળે!?’

            `શાને તારલીઓને તું ચાંદલિયા થકીય વ્હાલો!?’

            યાદ મને આવે મમ્મીનો આ મતલબનો હાલો!

મા સુંદર;  ના, અતિસુંદર… મા-મમતા સુંદરતમ હો!

ભલે અકળ હો સકળવ્યાપ્ત, પણ મા નિત અંદરતમ હો!

            હળતાંમળતાં મળી શાલિની બચપણની ભાગોળે;

            `ઢાઈ અક્ષર પઢ લે!’… પંડિત આજ લગી ફંફોળે!

યાદસિંધુમંથનમાં મનડું  સુખદુઃખની  ચકડોળે :

કરે વિસામો માતપિતાના પડછાયાની પોળે!

Leave a Comment