જીવન સુંદર છે!

આ જીવન  સુંદર છે!

ઉર-પથ્થરથી ફૂટી નીકળે રમ્ય પ્રેમનું ઝરણું :

શ્યામલ શશના ગૌર હાસ્યમાં શરદ પૂર્ણ ચાંદરણું;

આ અનુકૂલ અવસર છે –

આ જીવન  સુંદર છે!

અલ્પ વર્ણની વર્ણમાલિકા : મહાકાવ્ય અવતરતું   :

સ્વલ્પ  વર્ણની કાવ્યપંક્તિમાં નવચેતન તરવરતું;

તન વ્યંજન, મન સ્વર છે –

આ જીવન  સુંદર છે!

પલ પલ પર્વ-અસર છે :

સુંદર સુંદરતર છે!

જવ સમદર પર સૂર્ય નવોદિત અદ્ભુત કંઈ ઉદ્ભવતું :

ક્ષિતિ-નભ-વાયુ-અગન-જલ  સંગમ-પંચતત્ત્વ  પાંગરતું;

એ જ બ્રહ્મ-હરિ-હર છે

આ જીવન  સુંદર છે!

પલ પલ પુણ્ય પરમ છે :

સુંદર સુંદરતમ છે!

આ જીવન સુંદર છે!

Leave a Comment