મોટીબેનને – લગ્નની ષષ્ટિપૂર્તિ પ્રસંગે

અઢારે પચ્ચીસે સહજીવનના તંતુવચને

તમે સંધાયા એ અવસર – મને પંદર હશે;

હથેલીની રેખા પ્રતિકૂળ છતાં મક્કમ રહી

વિધાતાના લેખો અદલ બદલી ષષ્ટિ સરજી!

બધા સંબંધોમાં કવચિત ભરતી ઓટ દીસતાં;

તમારાં હૈયાંમાં સતત રસ અન્યોન્યમયતા!

સુભાગ્યે સૌભાગ્યે સહચરણનાં સાઠ વરસોઃ

હવેનાં વર્ષોમાં વિભુવરકૃપાવૃષ્ટિ વરસો!

મને રે યાદા’વે અવર ભગિની સ્નેહતરસી,

સુનામીમાં ઝૂઝી બ્લડ-સુગરની, કિંતુ ન રહી!

તમે બંને બ્હેનો પરિણીત થયાં એક જ દિને;

હતે જો આજે એ પણ અતીવ ઉલ્લાસિત હતે!

પ્રભો! સૌ ભાઈને પુનિત કરજે બ્હેન દઈને :

મળ્યો કેવો દૈવી મધુરપભર્યો સ્નેહ મુજને!

Leave a Comment