મન મક્કમ કર!

તુજ ભૂલ કબૂલ કરંત ન ડર – મન મક્કમ કર!

કર માફ, ન ર્ હૈશ અહમ્ નિરભર – મન મક્કમ કર!

નહી ક્રોધ, ન મત્સર, લોભ વગર – મન મક્કમ કર!

કરવું નહિ વેર વસૂલ અગર – મન મક્કમ કર!

કપરું, પણ સત્ય જ ઉચ્ચરવા – મન મક્કમ કર!

કડવું, પણ સત્ય જ જીરવવા – મન મક્કમ કર!

સુખ ફૂલ, ભમે દુઃખનો ભમરો – મન મક્કમ કર!

દુઃખ દૂધ, શમે સુખનો ઊભરો – મન મક્કમ કર!

જવ મિત્ર અસહ્ય અમિત્ર બને – મન મક્કમ કર!

પ્રિય મિત્ર છલોછલ નેહ વહે – મન મખમલ કર!

કટુ વેણ કહેલ પ્રિયાતિપ્રિયે – મન મક્કમ કર!

વિષઘૂંટ હળાહળ સ્નેહીજને – મન મક્કમ કર!

નહિ શંકિત, નિત્ય નચિંત જ થા – મન મક્કમ કર!

`અબ સોંપ દિયા ઈસ જીવનકા…’ – મન મક્કમ કર!

તન શ્રાંત અતીવ, નિરામય ના – મન મક્કમ કર!

મનની જળવાય નિરામયતા – મન મક્કમ કર!

ક્ષત જીવન જો પ્રિયસંગ વિના – મન મક્કમ કર!

સ્મરણે રત અ-ક્ષત ગાયન ગા – મન મક્કમ કર!

વિશ્વાસ સભર તવ શેષ સફર – મન મક્કમ કર!

ઉચ્છ્વાસ પૂરા જવ, શ્વાસ ન ભર – મન મક્કમ કર!

Leave a Comment