મળેલા જીવ

તને સંબોધીને કવિત કરવાનું મન ઘણું :

લખું મંદાક્રાંતા વળી શિખરિણી શાર્દૂલ રચું;

અછાંદસ્  આલેખે કયમ ઉભય છંદી રસકથા?

અપદ્યાગદ્યે હું મ ભ ન ત ત ગા ગા ગણગણું?

`પ્રિયે!’ જેવું સાદું સરળ `સખિ!’ સંબોધન કરું,

પછી પાનાં ફીંદી અવનવું જ સંશોધન કરું;

વિચાર્યું ના શું શું પ્રથમ લખવું પ્રેમલ, છતાં

લખાવા ડોકાતું ઘણુંય – લખવું યા ન લખવું!

હતી ત્રીસે જેવી તરબતર અન્યોન્યમયતા,

હજી પંચોતેરે પણ પલળતાં ને નીતરતાં!

વહેલાં વર્ષોમાં ચઢઊતર સો સો અનુભવી;

હવે સંધ્યાકાળે – પળ પળ જજો દૂર રજની!

મળ્યાં ત્યારે ન્હોતી ખબર મળવું યોગ્ય નહિ વા,

હળ્યાં ત્યારે જાણ્યું અવર તવથી યોગ્યતર ના,

ભળ્યાં ત્યારે માણ્યું – વિરહ પણ આલિંગન હશે! –

બીજા જન્મે થોડા વિરહ પછી બે જીવ મળશે!

Leave a Comment