‘ક્ષ’ ના મૃત્યુ પછી

અહીં સૌને શાંતિ સમુચિત સુખાનંદ મળતાં –

હશે વત્તી – ઓછી, પણ (વિષમતામાં) સફળતા;

ગમે કોને છોડી ઘર ગત થવું કાળક્રમમાં

બધું સંકેલી કો અટલ પળમાં સદ્ગત થવા!?

નમે પલ્લું ભારે અવગુણ તણું – માણસ રહ્યો

બીજો કૈં સત્કર્મે સુગુણ વચને માનવ ચગ્યો!

હતે જો ના આવી ત્રુટિ ઉભયના સંતુલનમાં,

ધરી સીધી, પૃથ્વી પરિપથ હતે વર્તુળ સદા!

નમે કાં? આકર્ષે પ્રબળ પૃથિવી – ન્યૂટન કહે

છતાં જ્યોતિ તરલ મનની ઉન્મુખ રહે?

ગ્રહો તારાઓની ગતિ અનુસરે જે નિયમને,

`ક્ષ’ને શ્રદ્ધા એના અનિયમનમાં, જેમ અમને?

જલાવી દે જવાલા સહુ અવગુણો દેહ સહ, કે

ભૂખ્યાં ગીધો એનું કણકણ કરી ભક્ષણ કરે,

મળે વા માટીમાં દફન થઈ કાયાકફનથી…

`સ્વ.’ના સદ્ગુણોની ઝળહળ થતી જ્યોત જલતી?

1 thought on “‘ક્ષ’ ના મૃત્યુ પછી”

Leave a Comment