કેન્સર – સર્જરી પછી

તારી કૃપા – પ્રત્યેક ડગલું માંડવું,

તારા જ ટેકે ચાલવું ટેકા વિના;

તારા ભરોસે તો ભરોસો બાજી પર :

છે જીતવું જોક્કર બની એક્કા વિના!

આ વિકૃતિ વાણી અને ચ્હેરા તણી :

છે સ્વીકૃતિ – હે નાથ! સંધિ આપણી;

તારી જ સામે એક દીની મેચમાં

સો ઝીંકવા ચોક્કા અને છક્કા વિના!

છે મંદ કૈં વ્યાધીશ્વરાની ઉગ્રતા,

પૂજા કરું વણીશ્વરીની મૌનમાં

બોલાય જેવું, જેટલું તું બોલજે;

આલાપજે  બારાખડી કક્કા વિના!

લે ભોગવી આ જન્મનું આ જન્મમાં

કયાં છે ઉધારી દેવના દરબારમાં?

એકાદ એવી આત્મગાથા સંભવે? –

બેચાર જેનાં પૃષ્ઠ હો છેકા વિના!

Leave a Comment