ગીતગંગોત્રી

(અવતરણિકા – ગંગાના અવતરણ માટે ગંગોત્રીની પ્રાર્થના)


હું ગંગોત્રી અસિત સિત સોત્કંઠ ને સૌમ્ય રુદ્ર,

શૈલોમાં જ્યાં ભગીરથ શિલા ભકિતનો ત્યાં સમુદ્ર;

દેહાગ્નિમાં કપિલમુનિના ભસ્મ સૌ પિતૃઓને

અર્પો આવી પરમ પદ ૐરૂપિણી દેહસ્પર્શે!

એ ૐકારે સ્વરત્રય  મહાનાદ મન્વંતરોના,

હે ૐ-કાર્ – ઈશ્વર અભય આનંદ અભ્યંતરોમાં!

કો સત્કર્મે પરમ મમ અભ્યર્થના વ્યર્થ હો ના;

આવો ઝંઝાજલ, શિવજટા-કંદરા-કોતરોમાં!

ૐ-કારે સૌ પ્રથમ સ્વરમાં વિષ્ણુ હે વિશ્વ-આત્મા!

મધ્યે મૃત્યુંજય મૃદુલ હે રુદ્ર સર્વેક્ષરાત્મા!

અંતે આદ્યે પ્રણવ-પ્રણયન્ જયેષ્ઠ હે તાત બ્રહ્મા!

વંદું, શ્રદ્ધા ભગીરથ કૃપાવૃષ્ટિનાં વાદળોમાં!

‘आदित्यानां हरिरिति।’, ‘अकारोङस्मि वै अक्षराणाम्।’,

‘रुद्राणां शंकर इति।’, ‘गिरामक्षरं एकमस्मि।’

સ્વર્લોકે શ્રી હરિચરણ – પ્રક્ષાલને ધન્ય બ્રહ્મા,

ને કૈલાસે ભગીરથ તપે રુદ્રને રીઝવેલા;

સ્વર્-શૃંગેથી જલ `शिखरिणां मेरु:’ ઉત્સંગ સોહે;

આવો, સોહે ઈહ જલ ધરા `स्रोतसां जाह्नवी’ હે!

આ આલાપે મિલન `सरसां सागर:’  કૈં યુગોથી;

આવો, આવાહન સભર સંસાર પુણ્યોત્સવોથી!

અર્ચું પ્રાર્થું `श्रीहरिशिखरिन् – विष्णु  स्रोतस्विनि’ હે!

આવો બ્રહ્મા-સુખસદનથી દિવ્ય ઓજસ્વિની હે!

લો હિલ્લોળે અમલ જલ ઉલ્લોલ ઉલ્લાસિનીને;

લો હૈયે  ‘हे श्रीहरिसर’  ૐકાવ્ય સત્-સંગિનીને!

આ ઉદ્યાને સ્મરણ પણ આનંદનિસ્યંદકંદમ્,

માતર્, શાને તવ શરણ मन्ये  न  मन्ये  तदन्यम्!

સંસારે આ અવતરણ હો શૈવ્ય હે સ્વર્ગજન્યા!

સ્પર્શી બ્રહ્મા-હરિ-હર ધરા રમ્ય ધન્યાતિધન્યા!

કાયા બુદ્ધિ મન વચન વા ઈંદ્રિયો પ્રકૃતિકૃત્

મર્ત્યો કેરાં અગણ અપકૃત્યો અરે પાપસંવૃત્ :

ધોવા સૌ સક્ષમ સહજ સત્કર્મ સંસ્કાર સીંચે,

स्वे  स्वे  कर्मण्यभिरतनर:  નિત્ય સંસિદ્ધિ પ્રાર્થે

સર્વાર્થે, એ કર્મ-સંસ્થાપનાર્થે…

આવો હે શ્રીહરિ શ્રીહરિ – ઉચ્છંગથી શ્રીહરિમાં

અંગે અંગે અભિનય લઈ વ્હાલની વલ્લરીનાં!

Leave a Comment