ગીતગંગા (ગંગોત્રીની ગોદમાં)

ગા ગંગોત્રી, ગગન ઘન ને મેઘની ગર્વગાથા

સંગે સા રે ગ મ પ ધ નિ સા ભવ્ય ભાગીરથીના;

ગા સૌંદર્યો સિતલગિરિ વંઠેલ વંટોળિયાનાં

લા ના પી લી ભૂ ની જ સ્રવતા સૂર્યની સંગતે ગા!

રંગે રંગે રત, સ્વર-સ્વરે સ્વપ્નમાં સ્વર્ગદાના

ગા હે મારા મન, અવર આવે ન આવે ઘડી આ!

લે હલ્લેસાં પવનવનનાં વ્હાણમાં વાદળોનાં

હંકારી જા અભય કરવા પાર આકાશગંગા!

સર્વાત્મા શ્રીબટુક બલિના દાનયજ્ઞે પધારે

શાંતાકારે, “સકલ ભગવન્ પાદપદ્મે તમારે!”

“માગું ભૂમિ ચરણ ત્રણ તન્માત્ર હે દૈત્યરાજન્!”

“જન્મે જન્મે શરણ તવ હો અદ્ભુતાનંદવર્ધન

હે વામનાનંત બ્રહ્મન્!”

પ્હેલુ : ડાબું ચરણ, નખ-અંગુષ્ઠ બ્રહ્માંડ છેદે,

અંતર્યામી-પદ પરસવા બાહ્યધારા પ્રવેશે…

વ્હેતાં વર્ષો અવિરત વહે મેરુ-ઉત્તુંગશૃંગે;

બીજું : વામેતર પદ પરં ધામમાં, બ્રહ્મવૃંદે

અર્ચેના અર્ધ્ય-પાદ્યે!

સ્વર્લોકે શ્રીહરિચરણ-પ્રક્ષાલને ધન્ય બ્રહ્મા –

ધારા સ્પર્શામૃત થઈ વહી આવતી વિશ્વવંદ્યા;

ગા ગંગોત્રી, વિભુવરકૃપા-વાહિની થન્ગનંતીઃ

એ તારે આંગણ અવતરો દિવ્ય સૌંદર્યવંતી!

વૈકુંઠે શ્રીવિભુ વિલસતા, ધ્યાનમાં હો સ્વયંભૂ,

`ગંગે ગંગે!’ ભગીરથ જપે, નૃત્યમાં લીન શંભુ;

ગા ગંગોત્રી, અગન મન ને મેઘમલ્હાર કંઠે,

ગા ઓમ્કારે અવતરણિકા-સિદ્ધ સીધે સ્વપંથે!

“આવો મૈયા, પલ પલ મહાપર્વ હો મર્ત્યલોકે,”

“’હું સ્વર્ગીલી વિરલ વીજળી વેગને કોણ રોકે?”

“મર્ત્યો મારાં પુનિત જલમાં પ્રેમથી પાપ ધોશે!”

“’ર્ હો બ્રહ્મિષ્ઠો અમલ મનના માનવોને ભરોસે.”

કૈલાસે આ શિવ ભગીરથે ભક્તિથી ભીંજવેલા

ઝીલે ઝંઝાજલ જલધિના ગર્ભ જેવી જટામાં;

એવાં પુણ્યે ઋષિવરહૃદે રુદ્રને રીઝવેલા

કે ગંગા સાગરમય થવા માનુની નીસરેલાં!

ગંગા ભાગીરથી અલકનંદા સુમંદાકિની ના,

સ્વર્ગંગા સુંદર હરિપદી જાહ્નવી માનિની ના;

આત્માનંદે અભિરત જટાજૂટમાં થન્થનંતાં

અર્ધાં અર્ધાશિવ-વશ, નહીં શોક અર્ધાંગિનીનાં!

સ્નાને પાને શ્રવણ સ્તવને ચિંતને દર્શને વા

ગંગા ગાને પરમ અપરંપાર દે વ્હાલ એવાં!

સૌનાં પ્રાતઃસ્મરણીય સદા સચ્ચિદાનંદિની મા,

જેના સ્પર્શે પુલકિત ચિતાભસ્મ સ્વર્-સંનિધિમાં!

સ્વાંતે શ્રાંતે સ્વમય-સમયે શ્વાસ બે લૌં પરાર્થઃ

એ સંગ્રામે શરણ લઉં શ્રીકૃષ્ણમાં જેમ પાર્થે;

સ્વાંતે સ્વાંતઃ સહુજન-સુખાનંદસંતૃપ્તિ પ્રાર્થે

હૈયું મારું પ્રભુચરણમાં એ જ સંવેદનાર્થે…

હું એ ગંગાજલ શિરે ધરું – શાંતિ દે બિંદુ બિંદુઃ

વંદુ બ્રહ્મા હર હર મહાદેવ શ્રીવિષ્ણુ વંદુ!


કથા-આધાર: શ્રીમદ્ ભાગવત મહાપુરાણ (ગીતાપ્રેસ, ગોરખપુર, સં. 2063)

Leave a Comment