હો ગંગા ભારતમય!

હો ગંગા ભારતમય મહાભારતે જેમ ગીતા,

ને અર્ધાંગે શિવ અધશિવા અન્વિતા તાતમાતા,

અંતર્-માત્રા પ્રણવ, વટપત્રે પુટે બાલકૃષ્ણ,

દૈવી માયા મૃદમય મુખાકાશમાં વિશ્વ પૂર્ણ!

વિષ્ણુ વક્ષઃસ્થલ તરલ શ્રીવત્સ વાત્સલ્ય ધારા,

કાંતાકારે પ્રલયજલમાં શ્રીહરિ શેષશય્યા,

લક્ષ્મીમાલા નવકમલ શ્રીકંઠમાં શ્રીપતિના,

બ્રહ્મા નાભિસર-કમલમાં, ભૂર્ભુવઃ સ્વર્-ગતિમાં!

શોભે શંભુ દશય દિશ અદૃશ્ય દિવ્યાંબરોમાં,

પૃથ્વી સોહે સમદર સજી, દેહમાં અંતરાત્મા,

ગુંજે વર્ણો યમનવશ ૐ મંત્રની કિંકિણીમાં,

સંધ્યાકાલે ઉર ત્રિફલ-પંચાક્ષરારાધનામાં!

સવ્યે વંશી વિવશ, અપસવ્યે સખા સવ્યસાચી,

હસ્તે વીણા કલિપ્રિય સદા વિશ્વકલ્યાણ યાચી,

છાંદોગ્યે `તત્ત્વમસિ’, બૃહદારણ્યકે `બ્રહ્મ અસ્મિ’,

હો ગંગા અંતર અમ શરચ્ચંદ્રમાં સૂર્યરશ્મિ!

પૃથ્વી વાયુ જલ અનલ આકાશ હું ચંદ્ર ભાનુ :

ભાસે આખું જગત શિવમાં મૂર્ત અષ્ટાંગતાનું;

સ્વાંતઃ સ્વપ્નો સુખદ દુઃખમાં, સૌખ્યમાં સ્વૈરયાત્રા,

ક્ષમ્મા ક્ષ્મામાં, કવન કવિ, ઓરૂમ-કારમાં ત્રૈકમાત્રા!

લક્ષ્મી અગ્રે કર સરસતી મૂલ ગોવિંદ મધ્યે,

પુષ્પો ગંધાક્ષત સલિલ દૂર્વા ફળો ભકિત અર્ધ્યે,

કાર્યારંભે કરદ્વય નમસ્કારમાં વંદનાર્થે,

શ્રધ્ધા આશાવરદ નવમ શ્લોક હો અષ્ટકાંતે!

કારુણ્યાસ્થા પવનસુતના ભકિતભીના અપાંગે,

ને `ગોવિંદમ્ ભજ’ સહજમાં આદ્ય આચાર્ય-કંઠે,

બિંદુ બે ચાતક મુખ ધરે મેઘનાં ગ્રીષ્મ તાપે,

હો ગંગા મંદર – સમદરે શ્રીસુધા મંથનાર્થે!

વેદાંતે નિર્વચન `જયતે નાનૃતમ્ સત્યમેવ’

બ્રહ્મા વિશ્વોદ્ત્ભવસ્થિતિલયે વિષ્ણુ દેવાધિદેવ,

સંતાપોમાં જ્વલિત જલનાં સિંચનો વૃક્ષમૂલે,

મંદાક્રાંતા મ ભ ન ત ત ગા ગા ગણાધાર-ઝૂલે!

સ્વચ્છંદી તે `મિથુન’ પ્રગટે વાલ્મીકિ-વાણીસ્રોતે

છંદાનુષ્ટુપ્ અભિનવ મહાકાવ્યમાં ઓત પ્રોતે,

ગાયત્રીમાં ત્રિપદ, પદમાં નાદ અષ્ટાક્ષરોમાં,

ગંગા ગીતા ગહનતમ શ્રીકૃષ્ણ હસ્તાક્ષરોમાં!

અંતઃ તૃપ્તા પ્રભુપુનિતપાદ્યામૃતા ક્ષાત ગંગા

ને સ્વર્-ભૂમિ પરિસરણમાં શ્રેષ્ઠ નઃશ્રાંત ગંગા,

નૈરાશ્યોમાં નિરતિશય આનંદ પર્યાય ગંગા,

દૈવી શાંતિ અવતરણમાં શ્રેષ્ઠ અધ્યાય ગંગા!

ગંગા મારા મનગગનમાં ધૂમતી સૌરમાલા;

ચંદ્રાકાંતે ચકિત રવિમાં કંકણાકાર જ્વાલા!

Leave a Comment