ઘર યાદ આવે છે!

મને ઘર યાદ આવે છે –

કુહૂકર કોકિલાનો સ્વર,

પ્રિયાનો કુદરતી `કહું છું’ અનુસ્વર યાદ આવે છે;

મને ઘર યાદ આવે છે,

પળેપળ સાદ આવે છે!

એકાંતે એકાકી હેલી :

પ્રભુએ કૈંક મજાક કરેલી –

પરણ્યા વિણ પગલી વરઘેલી,

બારે માસ રહે વરસેલી!

એની હૂંફ અહર્નિશ અમ જીવન જીવંત બનાવે છે…

મને ઘર યાદ આવે છે!

અનુરવમાં અણુરવનું ગૂંજન,

આરુ ત્રિવિધ કલાનું પૂજન,

અનંતનું કવિતામય સર્જન,

તનિયાનું હૃદયંગમ નર્તન!

તનયાના મનને અમ ક્ષેમકુશળ નિત નિત્ય સતાવે છે…

મને ઘર યાદ આવે છે!

પુત્રવધૂ નહિ, પુત્રી વધુ અમ,

કુલદીપક રિષિવર સુંદરતમ,

રાગ રગેરગ સ્નેહાદર, જયમ

સાગર રગરગ પુનરાવર્તન!

સાગરની એ પાર વસે, આ પાર રહી હરષાવે છે…

મને ઘર યાદ આવે છે!

પળેપળ સાદ આવે છે!

સહુનું અવલંબન `અખિલમ્ મધુરમ્’નું પાન કરાવે છે…

મને ઘર યાદ આવે છે!

પળેપળ સાદ આવે છે!


(અમેરિકામાં રાગના ઘરેથી; તા.17.12.2014)

Leave a Comment