કેન્સર – આયુકર

વિનાવ્યસન પણ ઢળતી સાંજે કેન્સરની કપટાઈ :

એક જનમમાં સાત મરણની ચીસ મને સંભળાઈ!

આરોગ્ય-આયુ નહિ શત્રુ, ન મિત્ર, સ્નેહી;

સૌને નિરામય સુદેહ જ દેહિ, દેહી!

સાનંદ આયકર મેં પ્રતિવર્ષ આપ્યો,

બેફામ આયુકર હોય વસૂલવાનો?

રે! જેમ ભ્રાંત પરમાંત સમીપ ભાસ્યો,

સંસારના વિષમ બંધનથી હું ત્રાસ્યો!

છે સહ્ય ઓટ-ભરતી પણ રે ત્સુનામી!

મારા વિશે કયમ વિશેષ મહેર-બાની :

“ગચ્છામિ વૃદ્ધમ્ શરણમ્ પ્રણામી!”

જે જે મળ્યું સહજ ઈશ્વરદેણ માન્યું,

ને વ્યાધિ કેરું વિકરાળ સ્વરૂપ માણ્યું!

તારાથીયે  વધુ ભયંકર હોય માયા,

બોલાવ! – સ્વસ્થ મન સક્ષમ છિન્ન કાયા!

જન્મેલ કૃષ્ણ ઈહ જે લઘુ કોટડીમાં,

તે આ? સુણાય સૂર સુંદર બંસરીના!

હું ધન્ય! ભેટ અણમોલ ધરે નિયંતા;

મારા સમા અહીં અનેક નસીબવંતા!

વિજ્ઞાન-કુંકુમ મનોબળના લલાટે :

આભાર કેન્સર, સુકોમળ કાવ્ય માટે!

Leave a Comment