અલ્પ વિરામ (અંતિમ ક્ષણોમાં)

પૂરું થતું જીવન મંગલ શાંતિ શાંતિ!

ઈશે દીધેલ વર-વેલ વિલાઈ ચાલી;

અય્ મૃત્યુ, આવ લઈ જીવનમાં ઉક્રાંતિ :

પૂરું થતું જીવન મંગલ ભ્રાંતિ ભ્રાંતિ!

હું ધન્ય જન્મ લઈ માણસ પિંડ રૂપે,

વંદું વિરાટ `વસુધૈવ કુટુંબકમ્’ હે!

ને ગાઉં સત્ય-શિવ-સુંદર સ્વ-સ્થ રૈ’ને;

હું જાઉં અંતર અનંત વસંત લૈ ને!

*

સંસારની ભુલભુલામણીમાં

ભૂલો તણી ભવ્ય પરંપરામાં

થઈ – કરી ભૂલ અક્ષમ્ય સો-સો

જૈ સત્યથી દૂર અનંત કોસો!

કહે `ધૃવં જન્મ મૃતસ્ય’ ગીતા

મેં એટલે કૈંક તરંગ કીધા :

જાણ્યે-અજાણ્યે થઈ ભૂલ જે કૈં

આ જન્મ એ જન્મ કદી થશે નૈ!

મારી અધૂરપ અગણ્ય છતાં નિભાવ્યો

હુંથી અગણ્યગુણ પ્રેમ કરી સજાવ્યો!

એકાદ  સદ્ગુણ – અસદ્ગુણ સૌ ન ગણ્ય?

જ્યાં અસ્ત રમ્ય અરુણોદય સપ્ત-રમ્ય!

આવું અમોલ અવલંબન આ જ લોકે  –

મારે અહીં ઈહ ફરી ફરી આવવું છે…

માનવ પિંડ રૂપે!

હર્ષાશ્રુ જેવાં મધથીય મીઠાં

દર્દાશ્રુ મીઠા કરતાંય ખારાં :

આસ્વાદવા ભેદ-અભેદ બેમાં

ઈશે મને દર્દ સ-હર્ષ દીધાં!

કયારેક સંજોગ થકી હું હાર્યો

ઈશે મને સન્મતિ દેઈ વાર્યો;

`બૂરાં ભલાં સર્વ સ્વીકાર્ય કાર્યો?’

ઈશે મને હા કહી આવકાર્યો!

વર્તાય છે થાક અથાગ શાને

કે ઊઘડે આંખ મીંચાવવાને!

શું રે થયું આ મુજ આયખાને –

દે ના મને સમય મૃત્યુ મનાવવાને!

હું જાઉં છું એકલ આવજે તું

આ ઉંબરેથી જ વળાવજે તું

હું-ઈશ વચ્ચે અવ કૈં જ ના’વે  –

આવે જ તો ફકત અલ્પ વિરામ આવે!

સ્નેહીજનો, મિત્ર સવાઈ સ્નેહી,

પત્નીપ્રિયા, પુત્તર, બેઉ પુત્રી :

સૌંદર્યવંતી પરિવાર-સૃષ્ટિ

જ્યાં ખીલતાં ગુલગુલિયાં અમારાં…

ના તંતુ ના તુન્ તુન એકતારા;

હો અલ્વિદા કિંતુ ન અશ્રુધારા!

દૈ `અંત’ને ચુંબન અલ્વિદાનું

`આરંભ’ આલિંગન લૈ વધાવું!

`આરંભ’ ને `અંત’ નું યોગબિંદુ

ભાસે મને પ્રખર સૂરજ સૂક્ષ્મ જેવું!

કેવો હશે એ વટ એ અમીરી :

સૌ યાર – તૈયાર મળે પથારી;

લેવી ન તસ્દી પણ લેટવાની –

ગીતો અધૂરાં…

…કવિતા અધીરી!

છેલ્લી પથારી પર શીત કાયા

પલંગના સૌ અસમાન પાયા;

શ્રીકૃષ્ણના શ્રીશરણે ગયેલને

શ્રીરામ શ્રીશબ્દ બની સુણાયા :

`શ્રીરામ!… શ્રીરામ!…’

*

પૃથ્વી અને અંબર બેઉ સાખે

આ વાયુ આ અગ્નિ જવલંત રાખે;

ગંગાજલે બે-ત્રણ અસ્થિ ડૂબે

(નિઃ)શેષ ઝંઝાજલમાં ઝળૂંબે!

1 thought on “અલ્પ વિરામ (અંતિમ ક્ષણોમાં)”

Leave a Comment