આરોહી

`સાવ સળેકડા એકડા’ જેવી ગૌર ગૌરવી ગુડિયા :

અંતરતમમાં ગલગલિયાં જવ વ્હાલ કરે ગુલગુલિયા!

ભણતર કરતાં ગણતર ઝાઝું, ચાલન કરતાં નર્તન :

શું રે વખાણું ગાયન, વાદન, વાણી કે તવ વર્તન!!

નથી કળાતું કે ચઢિયાતું ઉમ્મર કરતાં ડહાપણ :

`જઈએ દર્શન કરવા?’ – તારી ગમતી હા પણ, ના પણ!

સ્વર-વ્યંજનની હ્રસ્વ-દીર્ધ ભુલભુલામણીમાં ભટકે :

છટકે કમાન પેન્સિલ તી…ણી કરતાં જો અણિ બટકે!

લખવા કરતાં ભૂંસે ઝાઝું, વાંચન કરતાં વાતું :

અવ્વલ આવે કેમ કલાસમાં, હવે મને સમજાતું!

ભૂલ બતાવે, ઠપકો આપે, ધમકી દે વઢવાની :

હું છું તારા નાના કે ભૈ તું છે મારી નાની!!

સંતાનોનું યૌવન, એનાં સંતાનોનું બચપણ :

ત્રણે અવસ્થાની સરિતાનો સંગમ – તીરથ ઘડપણ!

Leave a Comment