રે આવે વર-સાદ!

આ મોજીલા મંદાનિલની સા રે ગ મ પ ધ ની… સરતી

ને મસ્તીલા ઝરમરિયાની પ ધ ની સા સા રે… ગમતી;

રૂપાવરણી મેઘકિનારી સોનવરણ થઈ ઝળહળતી :

સુમિરન કર લે મનવા, દુઃખમાં સુખની સા રી ગ મ પ ધ ની!

અસ્ત સમય અવ સવિતાનલ, જલ-શીતલ રંગ અનંગ રહી

કો અકડેલી કોયલ ટહુકે ટહુકે રસ લઈ અવતરતી;

ટહુકે આ તટ, અવર તટે ટહુકારે બે તટ મેળવતી

સાદ કરે ઋતુને વરસાદી અકળિત સકળ નિસર્ગવતી!

ડુંગર ડુંગર વાદળ, આગળ પાછળ મોસમ મઘમઘતી,

આ સરિતા જળ ખળખળ, હર પળ શીકર થઈ હળતી મળતી;

પટમાં ખડક અડગ બગ-પગમાં તૃપ્તિ પરસ થઈ સળવળતી;

ચકલી કાબર કાગ કબૂતર કલકલિયે કુદરત કવતી!

આ તરુવર, પલ્લવવર, પલ્લવનસવર, નસ નસ રસ ઝરતી,

પરગટ સરગમ સોડમ – ટળવળતી ધરતીને કળ વળતી!

આ જીવન વન, તન ઉપવન, મદમન મધુવન, પળપળ પાંગરતી,

કણ કણ કંઠ કવન, વંદન હે કરુણા અમ અંતરતમની!


પૂનામાં મૂળાને કિનારે

Leave a Comment