જિંદગી એક સુખદ યાત્રા

સૌ માનવી પશુ વનસ્પતિ સૃષ્ટિ સારી

સર્વાંગ સુંદર, અસુંદર દૃષ્ટિ મારી;

આ જિંદગી સુખદ સૌખ્ય જ સૌખ્ય! – યાત્રા :

કૈં અલ્પ વા અધિક વા અતિ અલ્પ માત્રા!

જેવા પ્રસન્ન અનુકૂલ મનઃસ્થિતિમાં

રે’ વાય સૌમ્ય પ્રતિકૂલ પરિસ્થિતિમાં! :

લૌ સાંત્વના સજલ-ઉજ્જવલ લોચનોમાં

મારા થકીય દુખિયાં વધુ કૈં જનોનાં!

ઔચિત્ય નિત્ય પરિવર્તનશીલતામાં –

સંજોગ સંગ અનુકૂલન સાધવામાં;

દુઃખાનુરૂપ સુખ બે ઘડી માણવાને

સૌખ્યાનુરૂપ દુઃખ-દર્દ ભલે પધારે!

અન્યોન્યને કવન – જીવન બેઉ પોષે;

રૌં’ કયાં લગી સ્વજન-સજ્જનને ભરોસે? :

સંબંધનાં શિથિલ બંધન લુપ્ત અંતે

દીઠા અનંત રવિ અસ્ત થતા દિગંતે!

એકાંશ શાંતિ, અધિકાંશ અશાંતિ હૈયે –

બે-ચાર રમ્ય પળ જીવન માણી લૈએ!

એકાંક જો સહજ સર્જન શૂન્યમાંથી,

શૂન્યાવકાશ પરમેશ્વર શ્વાસ લૈએ!

માતા અને સમય બે ગુરુ શ્રેષ્ઠ શિક્ષા

દીક્ષાર્થ જીવન અને જગ પાઠશાળા;

આનંદયોગ વિકસે સ્થિતપ્રજ્ઞતામાં

જે સિદ્ધ કેવલ જ શ્રીશરણે પ્રભુના.

જા પંથ અંતર-અનંતર મધ્ય સેતુઃ

આકંઠ પ્રેમ કર માણસમાત્રને તું! –

પ્રેમાળ દૃષ્ટિ, ધર પ્રેમલ હાસ્ય હોઠે,

પ્રેમાળ સ્પર્શ કર પ્રેમલ શબ્દ-શબ્દે :

પ્રેમાળ `હ્રસ્વ’ અતિ પ્રેમલ `દીર્ઘ’ સંગે,

પ્રેમાળ `ઘોષ’ અતિ પ્રેમ `અઘોષ’ સાથે

ગા મુકતકંઠ પ્રતિશબ્દ પ્રશસ્તિ ગાશે

ને પ્રેમપંથ તવ `પ્રેમલ જયોતિ’ ભાસે!

ગાંધી-મહર્ષિ અરવિંદ-રવીદ્ર સાધે

સંતૃપ્ત સત્ય, શિવસંનિધિ ને અગાધે

સૌંદર્યવાદનઃ સુ-દર્શનસૂત્ર ગૂંથે.

सत्यम्  शिवम्  પરમ સુંદર सुंदरम्નું!   

રે કેવું સખ્યઃ સુખ ને દુઃખ, અશ્રુ-પ્રીતિ,

કૈં જન્મ-મૃત્યુ, મન ને મતિ, યુકિત-મુકિત,

પ્રારબ્ધ-કર્મ, વળી કર્મ-અકર્મ રીતિ;

કર્તવ્યમાં પણ હકાર-નકાર વૃત્તિ!

એ મૃત્યુ આ જીવનને દુઃખ અંતરાય  

सत्याय હો પ્રિય शिवाय ચ  सुंदराय!


(ઓકટોબર 2010ના ‘નવનીત સમર્પણ’માંના કવિશ્રી ઉશનસ્ ના લેખ ‘જીવનમાંથી હું શું શીખ્યો?’ પરથી પ્રેરિત)

1 thought on “જિંદગી એક સુખદ યાત્રા”

Leave a Comment