દિવ્યામી

કરું પ્રભાતે `कर-दर्शनम्’ ને 

ક્ષ્મામા-ક્ષમા લૈ કરું  `पाद-स्पर्शम्’

ન્હાતાં ભજું પાવન કૈં નદીઓ,

`એ પૂર્ણ, આ પૂર્ણ’, અપૂર્ણ પૂર્ણ

પવિત્ર બેસું પ્રભુ-પ્રાર્થનામાં!

`માતા-પિતા-બંધુ-સખા-શ્રી-વિદ્યા

તે જ હે દેવ!’ પરં પ્રયત્ન :

`સુખાવસાનેય દુઃખાવસાને’

`સત્, જ્યોતિ ને અમૃત ગમ્ય’ યત્ન;

`હરિ ૐ’ કહું ને વળી `જય શ્રીકૃષ્ણ’!

`હોજો સુખી સર્વ નિરામયાત્રે’,

નિમંત્રું `વૈશ્વાનર અન્નપાત્રે’,

`આવાસ્ય આ સર્વ’ સ્વયં સજાવે,

`જેની કૃપાથી ગિરિ પંગુ લંઘે’,

`જેના ગુણોનો નહિ પાર આવે

એ ઈશ’ બીડે મુજ નેત્ર રાત્રે! …

મધ્યે જ તો ખંડિત કેમ નિદ્રા?

આ ભાર હૈયા પર, આ અનિદ્રા!

દે સાંત્વના વ્યર્થ જ ચંદ્ર-તારા,

સંપૂર્ણ ઘૂમી પ્રભુ-નામમાળા;

`प्रचोदयात्’ પંક-પ્રબોધ-પદ્મમ્,

કરો કૃપા `तत्सवितुर्वरेण्यम्’!…

સૂર્ય :

“सेव्यम् सुखम् आपतितम्  सदैव,

सेव्यम्  दु:खम् आपतितम्  तथैव–

ફરંત આજીવન ચક્રવત્ જે.”…

એ ચક્રમાં આગળ કોણ, કયારે?

રહે વિના ઉત્તર એ જ પ્રશ્ન;

`હરિ ૐ’ રટું  ને વળી `જય શ્રીકૃષ્ણ’!

દુઃખી જરા હું નિજ સૌ દુઃખોથી;

વધુ દુઃખી અન્ય તણાં સુખોથી!

સુખી જરા હું નિજ સૌ સુખોથી;

વધુ સુખી અન્ય તણાં દુઃખોથી!

`अस्मि’ત્વ ઉદ્વેગ અશાંતિ આપે,

`असि’ત્વ આનંદિત ચિત્ત રાખે,

`अस्ति’ત્વને `तत्त्वमसि’ત્વ વચ્ચે

અસ્તિત્વના અંબરમાં રવીંદુ : 

બંને દ્રવે અદ્ભુત અશ્રુબિંદુ!

આ સૌખ્ય એ તો દુઃખ કૈંક ઓછું,

ને દુઃખ એ સૌખ્ય ભલે નજીવું,

હસું, રડાવે સહસા હસાવે,

સંસારમાં સાર-અસાર લાવે,

આ પાર, એ પાર, ન પાર આવે –

અન્યોન્યમાં દ્રાવ્ય બની બનાવે

દિવ્યામી…ઈશે પણ એ જ પીવું!

આજન્મજન્માંતર શીત-ઉષ્ણ :

`હરિ ૐ’ કહું ને કહું `જય શ્રીકૃષ્ણ’!

1 thought on “દિવ્યામી”

Leave a Comment